ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. 17 સભ્યોની ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા:-

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

સંજુ સેમસન બેક-અપ વિકેટકીપર તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે.

કે એલ રાહુલ અને શ્રેયસ અય્યરની ટીમમાં એન્ટ્રી

કે એલ રાહુલ અને શ્રેયસ અય્યર ટીમમાં પરત ફર્યા છે. યુવા બેટ્સમેન તિલક વર્માને પણ ટીમમાં તક મળી છે. હાર્દિક પંડ્યાની વાઈસ કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા હતા પણ તેને વાઈસ કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે.

BCCIની યાદી અનુસાર, આઠ બેટ્સમેન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન અને તિલક વર્માને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. ઈશાન અને કેએલ રાહુલમાંથી કોઈ એક વિકેટકીપિંગ કરે તેવી શક્યતા છે.

ક્રિકેટમાં ગુજરાતીઓનો દબદબો વધી રહ્યો છે. બીસીસીઆઈમાં અમિત શાહના દીકરા જય શાહે પદભાર સંભાળ્યા બાદ ગુજરાતીઓનું ક્રિકેટ ટીમમાં મહત્વ વધ્યું છે. આજે એશિયા કપ માટે ટીમની જાહેરાત કરાઈ છે. જેમાં 4 ગુજરાતીઓનો સમાવેશ કરાયો છે.

ટીમમાં આ ત્રણ ઓલરાઉન્ડર છે

એશિયા કપમાં વાઈસ-કેપ્ટન હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજાની સાથે અક્ષર પટેલને પણ ઓલરાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. બોલની સાથે અક્ષરે બેટથી પણ અનેક પ્રસંગોએ પોતાની ક્ષમતા સાબિત કરી છે.

પાંચ ઝડપી બોલર અને એક સ્પિનર

ફાસ્ટ બોલિંગ યુનિટમાં પાંચ નિષ્ણાત ઝડપી બોલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ તક મળી છે. કુલદીપ યાદવ નિષ્ણાત સ્પિનરો તરીકે ટીમનો ભાગ છે.

30 ઓગસ્ટથી એશિયા કપની શરૂઆત
એશિયા કપ ટુર્નામેન્ટની શરૂઆત 30 ઓગસ્ટના રોજ થશે. પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. ટીમ ઇન્ડિયા 2 સપ્ટેમ્બરના રોજ પોતાની પ્રથમ મેચ રમશે. ભારતની પ્રથમ મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમાશે. બંનેની ટક્કર શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં થશે. ટુર્નામેન્ટમાં 6 ટીમો ટ્રોફી માટે સંઘર્ષ કરશે, જેમને એ અને બી એમ બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન બંનેનો ગ્રુપ એ માં સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા કપના કાર્યક્રમની વાત કરીએ તો પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરના પાકિસ્તાન સામે અને 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ સામે રમાશે.

Leave a Comment